|

|

|

હનુમાનજી – ગણપતિજી

રૂપ ચોકી ઉગમણિ વિશાળ, તેથિ ઉત્તરમાં એક કાળ; હરિભક્ત હીરાજી શલાટ, ઘડે હનુમાન મૂર્તિનો ઘાટ. જોવા આવ્યા ત્યાં ધર્મદુલારો, કહ્યું ઘાટ ઘડ્યો ઘણો સારો; પ્રભુ થેને પ્રસન્ન અપાર, આપ્યો પુષ્પ પ્રસાદીનો હાર. વળી તે મુરતીના હૃદયમાં, ચાંપ્યા ચરણ બે તેહ સમયમાં;
શ્રીહરિલીલામૃત ક.૧, વિ.૧૫, કડી.૪૭-૪૯


હે ભક્તો ! હનુમાનજી મહારાજ એટલે રામભક્ત. હનુમાનજી એટલે ધર્મકુળના કુળદેવ. હનુમાનજી એટલે પતિવ્રતાનાં અંગવાળા. હનુમાનજી એટલે દરેક અવતારોની સેવા પોતાના ઈષ્ટદેવ શ્રીરામ જાણીને કરનારા. હનુમાનજી એટલે આદર્શ સેવક કેવા હોવા જોઈએ એનો પ્રત્યક્ષ પુરાવો અને હનુમાનજી એટલે સામ, દામ, ભેદ અને દંડને યથાયોગ્ય જાણનારા ‘ બુદ્ધિમતાં વરિષ્ઠમ્’


હે ભક્તો ! મંદિરની પૂર્વ દિશાની એક રૂપચોકીની ઉત્તર દિશામાં હીરાભાઈ સલાટ હનુમાનજીની મૂર્તિ બનાવતા હતા. તે મૂર્તિને જોવા માટે શ્રીહરિજી પધાર્યા. આવીને જોયું તો હનુમાનજીની મૂર્તિનું કામ ચાલતું હતું. તેને જોઈ શ્રીહરિજી ખૂબ જ રાજી થયા અને પોતે પહેરેલ પ્રસાદીનો હાર હીરાજી કડીયાને આપી હનુમાનજીની મૂર્તિની છાતીમાં પોતાનાં બન્ને ચરણ આપ્યાં. ત્યારબાદ મૂર્તિઓ તૈયાર થઈ ગઈ એટલે મંદિરની પૂર્વ દિશામાં તેમની અને ગણપતિની પ્રતિષ્ઠા કરી.


“મંદિરેથી તે પૂર્વ દિશાની, હતી બારી જવા આવવાની; તહા મારગ મોટો મુકાયો, કૃષ્ણે તહાં દરવાજો કરાવ્યો. ગણનાથ તથા હનુમાન, નિજ હાથે થાપ્યા એહ સ્થાન;

શ્રીહરિલીલામૃત ક.૧ વિ.૧૬

હે ભક્તો ! હાલમાં પૂર્વ દરવાજે હનુમાનજી – ગણપતિજી છે. ત્યાં અગાઉ આવવા-જવાની એક બારી જ હતી. તેથી તે બારીને કઢાવી શ્રીહરિજીએ ત્યાં મોટો દરવાજો કરાવેલ છે. બન્ને દેવોની પ્રભુએ પોતે પ્રતિષ્ઠાની આરતી ઉતારેલ છે, માટે પ્રસાદીના બન્ને દાદાઓનાં દર્શન કરવા જજો. હનુમાનજી મહારાજનું નામ હરિજીએ ભીડભંજન રાખેલ છે.

guGujarati