|

|

વિશાળ સભામંડપ

“અભેસિંહ સુણો ધરી પ્યાર, સભા મંડપ છે જેહ ઠાર; તહાં તો એક ખેતર હતું, સંઘને ત્યાં ઉતરવાનું થતું. જૂનાગઢના ને વડોદરા કેરા, ઊતર્યા હતા ભક્ત ઘણેરા; તેહ જગ્યા વિષે બહુ વાર, જમ્યા છે જઈ ધર્મકુમાર. તેથી પૃથ્વિ પ્રસાદીની થે છે, ધ્યાનીના ધ્યાનમાં રહી મેં છે;

શ્રીહરિલીલામૃત ક.૧, વિ.૧૬


હે ભક્તો ! હાલમાં જે મંદિર પાછળ બે માળનો વિશાળ સભામંડપ આવેલ છે, તે પ્રસાદીનો નથી, પરંતુ તે જગ્યા પ્રસાદીની અવશ્ય છે; કારણ કે શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં ત્યાં ખેતર હતું અને ઉત્સવ-સમૈયામાં ગામડાંઓમાંથી સત્સંગીઓના સંઘ આવતા ત્યારે આ ખેતરમાં ઉતરતા અને તંબુ તાણીને તેમાં રહેતા. વિશેષ કરી જૂનાગઢ સોરઠના હરિભક્તો અને વડોદરા વાકળ-કાનમના હરિભક્તો આ ખેતરમાં ઉતરતા હતા.


હે ભક્તો ! સમૈયામાં આ સ્થાનમાં સત્સંગીઓ ઉતરતા ત્યારે શ્રીહરિજીમાં હેતવાળાં સત્સંગી બહેનો પ્રગટ પ્રભુને પોતાને ત્યાં જમવા આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપતાં હતાં, તેથી તેના પ્રેમને વશ થઈ શ્રીહરિજી ત્યાં અનેકવાર જમવા પધાર્યા છે, તેથી એ જમીનનો ભાગ પ્રસાદીનો છે, માટે ત્યાં દર્શન કરવા જવું.


હે ભક્તો ! આ વિશાળ સભામંડપ સદ્ગુરુ બ્રહ્મચારી પવિત્રાનંદ સ્વામીએ બંધાવેલ છે. સંવત્ ૧૯૨૫માં આ સભામંડપ તૈયાર થયો ત્યારે તત્કાલીન બીજા આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ સમયમાં ઈ.સ. ૧૮૭૯માં આ સભામંડપ ૮૦ થી ૮૧ હજાર રૂપિયામાં તૈયાર થયો હતો.


હે ભક્તો ! સ્વામિનારાયણ ભગવાન (સં. ૧૮૮૬ – ઈ.સ. ૧૮૩૦માં) ધામમાં ગયા પછી આ સભામંડપ ૪૯ ઓગણપચાસ વર્ષે ઉદ્ઘાટીત થયો હતો. આ સભામંડપની પહોળાઈ પૂર્વ-પશ્ચિમ ૫૮ ફૂટ તથા લંબાઈ ઉત્તર-દક્ષિણ ૧૪૩ ફૂટ છે.

hi_INHindi