|

|

જ્ઞાનબાગમાં ભવ્ય રંગોત્સવ

“પુષ્પદોલ તહાં જ બંધાવી, નરનારાયણ પધરાવી; ડાહ્યો મે’તો નાથા વનમાળી, ભણેલા બેય બ્રાહ્મણ ભાળી. મહારાજે કહ્યું દ્વિજ આવો, બદરીશની પૂજા કરાવો; એના ઉત્સવનો દિન આજ, કર્યો તૈયાર છે સર્વ સાજ.

શ્રીહરિલીલામૃત ક.૭, વિ.૬૦


હે ભક્તો ! પુષ્પદોલોત્સવ એટલે બદરિકાશ્રમમાં પ્રગટ થયેલા નરનારાયણદેવનો પ્રાગટ્યદિન. ફાગણ વદ પડવાનો દિવસ હોવાથી શ્રીહરિજીએ ફૂલના હિંડોળામાં નરનારાયણની મૂર્તિ પધરાવી બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવ્યું અને પછી મહારાજે ઝૂલાવ્યા.
હે ભક્તો ! જ્ઞાનબાગમાં સંતો-ભક્તોએ હોજ બનાવી રંગથી ભરી દીધા. પૂર્વના કુંડનું નામ સંતકુંડ હતું અને પશ્ચિમના કુંડનું નામ હરિકુંડ રાખવામાં આવ્યું હતું. પિચકારીઓનો મોટો ઢગલો કરવામાં આવ્યો હતો. જોબન પગી અને નારાયણગિરિએ ૧૪૦૦ પીચકારીઓ તૈયાર કરાવી હતી ! અને અબીલ-ગુલાલનો તો કોઈ પાર જ ન હતો. જોબનપગી વગેરે ભક્તોએ અનેક ગાડાં ભરીને ગુલાલ મંગાવ્યો હતો.


હે ભક્તો ! રંગે રમવાની સંપૂર્ણ તૈયારી કરી સંતો શ્રીહરિજીને બોલાવી લાવ્યા અને જોબન પગીએ સોનાની પીચકારી મહારાજના હાથમાં આપી. ફરીને આગેવાન ભક્તોએ મહારાજનું પૂજન કર્યું અને ફૂલના હિંડોળે શ્રીહરિજીને બેસાડી પછી ઝૂલાવી મુક્તાનંદ સ્વામીએ આરતી ઉતારી.


હે ભક્તો ! પછી સંતો શ્રીહરિજીને રંગોના કુંડે લઈ ગયા અને રંગે રમવા વિનંતી કરી. ત્યારે મહારાજે હરિકુંડે ઊભા રહી પીચકારી ભરી સંતો ઉપર રંગ નાખ્યો. તેથી સંતકુંડે રહેલા સંતોએ પણ પીચકારીમાં રંગ ભરી શ્રીહરિજી ઉપર નાખ્યો. પછી સૌ રંગે રમવા લાગ્યા.


“છોળ્યો રંગની ઉછળે એવી, મહામેઘની ધારાઓ જેવી; અન્યો અન્ય ઉડાડે ગુલાલ, દીસે અવની ને આકાશ લાલ. રમ્યા એવી રીતે ઘણી વાર, પછી બોલિયા પ્રાણ આધાર; હવે બે બે તણી થાઓ જોડ, કરો ખેલ ધરી મનકોડ.

શ્રીહરિલીલામૃત ક.૭, વિ.૬૧

guGujarati